વચનામૃત ગઢડા છેલ્લાનું - ૧૨
સંવત ૧૮૮૪ના અષાડ વદિ ૮ અષ્ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાની મેડીના ગોખને વિષે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ પોતાના ભક્તજનને શિક્ષા કરવાને અર્થે વાર્તા કરતા હવા જે, (૧) જેને પોતાનું કલ્યાણ ઇચ્છવું તેને કોઈ પ્રકારનું માન રાખવું નહિ, જે હું ઊંચા કુળમાં જન્મ પામ્યો છું કે હું ધનાઢ્ય છું કે હું રૂપવાન છું કે હું પંડિત છું એવું કોઈ પ્રકારનું મનમાં માન રાખવું નહીં. અને ગરીબ સત્સંગી હોય તેના પણ દાસાનુદાસ થઈ રહેવું. ને ભગવાન તથા ભગવાનના ભક્ત તેનો જેને અવગુણ આવ્યો હોય, ને તે સત્સંગી કહેવાતો હોય તોપણ તેને હડકાયા શ્વાન જેવો જાણવો, જેમ હડકાયા શ્વાનની લાળ જેને અડે તેને પણ હડકવા હાલે, તેમ જેને ભગવાન ને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો હોય તે સાથે જે હેત રાખે, અથવા તેની વાત સાંભળે તો તે હેતનો કરનારો ને વાતનો સાંભળનારો પણ વિમુખ સરખો થાય, અને વળી જેમ ક્ષયરોગ થયો હોય તે કોઈ ઔષધે કરીને મટે જ નહિ, તેમ જેને ભગવાન ને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો હોય તેના હૃદયમાંથી ક્યારેય આસુરી મતિ ટળે નહિ, અને અનંત બ્રહ્મહત્યા કરી હોય, અને અનંત બાળહત્યા કરી હોય, ને અનંત સ્ત્રીહત્યા કરી હોય, ને અનંત ગૌહત્યા કરી હોય, ને અનંત ગુરુસ્ત્રીનો સંગ કર્યો હોય તેનો પણ કોઈ કાળે છૂટકો થાય, ને શાસ્ત્રમાં તે પાપ છૂટ્યાનો ઉપાય કહ્યો છે, પણ ભગવાન ને ભગવાનના ભક્તના અવગુણ લેવાવાળાને કોઈ શાસ્ત્રમાં એ પાપથી છૂટ્યાનો ઉપાય કહ્યો નથી અને ઝેર ખાય અથવા સમુદ્રમાં પડે અથવા પર્વતથી પડે, અથવા કોઈ રાક્ષસ મળે ને ખાઈ જાય તો એક જ વાર મરવું પડે અને જે ભગવાન ને ભગવાનના ભક્તનો દ્રોહી હોય તેને તો અનંતકોટિ કલ્પ સુધી મરવું પડે ને અવતરવું પડે. અને વળી ગમે તેવો શરીરમાં રોગ થયો હોય ને તેણે કરીને શરીર પડે અથવા કોઈ શત્રુ મળે ને શરીરનો નાશ કરી નાખે પણ જીવનો નાશ થાતો નથી, અને ભગવાન ને ભગવાનના ભક્તનો દ્રોહ કર્યાથી તો જીવનો પણ નાશ થઈ જાય છે. ત્યારે કોઈ કહેશે જે જીવનો નાશ કેમ થાતો હશે ? તો ત્યાં દૃષ્ટાંત જે, જેમ હીજડો હોય તે પુરુષ પણ ન કહેવાય ને સ્ત્રી પણ ન કહેવાય, એ તો કેવળ વૃંદળ કહેવાય, તેમ જે ભગવાન ને ભગવાનના ભક્તનો દ્રોહનો કરનારો હોય તેનો જીવ પણ એવો નકારો થઈ જાય, જે કોઈ દિવસ પોતાના કલ્યાણના ઉપાયને કરી જ શકે નહિ, માટે એનો જીવ નાશ થઈ ગયો જાણવો, એમ જાણીને ભગવાન ને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો જ નહીં. (૧) અને વળી પોતાના દેહનાં જે સગાં-સંબંધી હોય ને તે સત્સંગી હોય તોપણ તેમાં અતિશે હેત રાખવું નહિ, જેમ દૂધ-સાકર હોય ને તેમાં સર્પની લાળ પડી હોય તેનું જે પાન કરે તેના પ્રાણ જાય, તેમ પોતાના દેહનાં જે સગાં-સંબંધી હોય ને તે હરિભક્ત હોય તોપણ તેમાં દેહના સંબંધરૂપ સર્પની લાળ પડી છે માટે તેમાં હેતના કરનારાનું જરૂર અકલ્યાણ થાય છે. એમ જાણીને જેને પોતાનું કલ્યાણ ઇચ્છવું હોય તેને દેહનાં જે સગાં-સંબંધી હોય તે સાથે હેત રાખવું નહીં. એમ સંસારમાંથી નિઃસ્પૃહ થઈને ભગવાનનાં ચરણારવિંદમાં પ્રીતિ રાખીને ભગવાનનું ભજન કર્યા કરવું. આ જે અમે વાત કરી છે તેને જે અંતરમાં રાખે તેને કોઈ રીતે કલ્યાણના માર્ગમાં વિઘ્ન થાય જ નહિ, અને આ જે વાત તે કરામત જેવી છે. એમ કહીને શ્રીજીમહારાજે વાર્તાની સમાપ્તિ કરી. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૧૨।। (૨૪૬)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે કે કલ્યાણ ઇચ્છવું હોય તેને માન રાખવું નહિ, ને દાસ થઈને રહેવું ને અમારો કે અમારા ભક્તનો અવગુણ લેનારો ને તેની વાત સાંભળનારો બેય વિમુખ થાય છે, ને એ પાપથી છૂટ્યાનો કોઈ ઉપાય નથી, ને એના જીવનો પણ નાશ થઈ જાય છે. (૧) અને સંબંધી હરિભક્ત હોય તોપણ તેના સાથે હેત કરનારનું કલ્યાણ થાય નહિ, ને અમારે વિષે જ પ્રીતિ રાખીને અમારું ભજન કરે તેને કલ્યાણમાં વિઘ્ન થાય જ નહીં. (૨) બાબતો છે.
૧ પ્ર જેને દ્રોહે જીવ નાશ પામે તે ભક્ત કેવા જાણવા ?
૧ ઉ શ્રીજીમહારાજના ધામમાંથી આવેલા મુક્ત જાણવા અને સાધનદશાવાળા હોય તેમાં કોઈ પ્રકારનો દોષ ન હોય ને પંચવર્તમાન યથાર્થ પાળતા હોય ને અલ્પ વચન પણ ન લોપતા હોય, ને શત્રુ-મિત્ર સમ થઈ ગયા હોય ને પોતાને અક્ષરધામરૂપ માનીને શ્રીજીમહારાજની મૂર્તિને ધરી રહ્યાં હોય, એવા એકાંતિક ભક્તનો દ્રોહ પણ શ્રીજીમહારાજના જેવો જ છે. અને અખંડ ધ્યાન ન ધરી શકતા હોય, પણ અલ્પ વચન લોપતા ન હોય, ને દ્રોહ કરનારનું ભૂંડું ન ઇચ્છતા હોય અને શ્રીજીમહારાજની સર્વોપરી ઉપાસના હોય એવા ભક્તના દ્રોહે કરીને પણ એવું જ પાપ થાય છે, અને જે પંચવર્તમાનમાં ફેર પાડતો હોય તેને તો ભક્ત ન જાણવો, અને તેનો અવગુણ લે તેમાં બાધ નથી એમ (પ્ર. ૫૩ તથા છે. ૨૧/૩માં) કહ્યું છે.
૨ પ્ર બીજી બાબતમાં આ વાત કરામત જેવી કહી તે કેવી જાણવી ?
૨ ઉ જેમ તાંબાનું રૂપું કરવું હોય તથા લોઢાનું સોનું કરવું હોય તે કોટિ સાધને પણ થાય નહિ, પણ જે કરામતવાળો હોય તે વગર દાખડે ને વગર ખરચે કરી દે તેમ આ જીવ કોટિ કલ્પે ને કોટિ સાધને પણ જીવ મટીને ઈશ્વર પણ થઈ શકે નહિ તો તેથી પર બ્રહ્મ ને તેથી પર મૂળઅક્ષર ને તેથી પર મુક્ત થવું તે થવાય જ નહિ, તે શ્રીજીમહારાજનો ને તેમના ભક્તનો દ્રોહ ન કરે ને દેહના સંબંધી સાથે હેત ન રાખે ને શ્રીજીમહારાજને વિષે પ્રીતિ રાખીને ભજન કરે એટલામાં જ મુક્ત થાય તે વાત કરામત જેવી એટલે આશ્ચર્યકારક કહી છે. ।।૧૨।।